સ્થાનિક ચૂંટણીમાં હાર બાદ ગાંધીનગર કોંગ્રેસમાં શિસ્તનો ડંડો, ૨૦ કાર્યકરો ૬ વર્ષ માટે સસ્પેન્ડ

Gujarat Pravah Desk
2 Min Read

કારમી હાર બાદ કોંગ્રેસમાં શિસ્તના નામે સફાઈ અભિયાન ગાંધીનગર કોંગ્રેસમાં ૨૦ સભ્યોને ઘરભેગા કરાયા ચૂંટણીમાં હાર માટે જવાબદારી સ્વીકારવાને બદલે પક્ષે હવે કાર્યકરો પર દોષનો ટોપલો ઢોળવાનું શરૂ કર્યું હોય તેમ જણાય છે
રાજ્યમાં સ્થાનિક ચૂંટણીમાં સુપડા સાફ થતાં કોંગ્રેસે શિસ્તભંગનું હથિયાર ઉગામ્યું છે. જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ૨૦ કાર્યકરોને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવાના આદેશ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬માં કોંગ્રેસના દેખાવ બાદ હવે પક્ષમાં આંતરકલહ સપાટી પર આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં ભાજપના ભવ્ય વિજય અને કોંગ્રેસના રકાસ બાદ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ આકરા પગલાં ભરવાની શરૂઆત કરી છે. ચૂંટણીમાં હાર માટે જવાબદારી સ્વીકારવાને બદલે પક્ષે હવે કાર્યકરો પર દોષનો ટોપલો ઢોળવાનું શરૂ કર્યું હોય તેમ જણાય છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી દ્વારા એક સત્તાવાર પત્ર જાહેર કરીને ૨૦ જેટલાં પદાધિકારીઓ અને કાર્યકરોને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ સભ્યોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે અને કોંગ્રેસના માન્ય ઉમેદવારોને નુકસાન પહોંચાડ્યું છે. સસ્પેન્ડ થયેલા સભ્યોમાં દહેગામ, માણસા અને કલોલ વિસ્તારના અગ્રણીઓનો સમાવેશ થાય છે.
કોંગ્રેસની આ હાર પાછળ સંગઠનની નબળાઈ અને નેતૃત્વનો અભાવ મુખ્ય કારણો છે. જાેકે, પક્ષે આત્મમંથન કરવાને બદલે પાયાના કાર્યકરોને નિશાન બનાવ્યા છે. એકસાથે ૨૦ સભ્યોને દૂર કરવાથી આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનું માળખું વધુ નબળું પડી શકે છે. સસ્પેન્ડ થયેલા કાર્યકરોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે, ‘પક્ષના ઉચ્ચ નેતૃત્વની નિષ્ફળતાને છુપાવવા માટે અમને બલિનો બકરો બનાવવામાં આવ્યા છે.‘
આ યાદીમાં જગતસિંહ ચૌહાણ (દહેગામ), દિપાબહેન ઠાકોર (માણસા), અને ફરીદાબાનુ મલેક (કલોલ) જેવા નામોનો સમાવેશ થાય છે. આ તમામ સભ્યો હવે આગામી સમયમાં શું રણનીતિ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *