૮ મે BJP બેઠક, બંગાળમાં નવી સરકાર રચનાની તેજ હલચલ, અમિત શાહ પર્યવેક્ષક બન્યા

Gujarat Pravah Desk
3 Min Read

૮ મેના રોજ BJP ધારાસભ્યોની બેઠક.બંગાળમાં નવી સરકાર બનાવવાની હલચલ તેજ.ભાજપે બંગાળના પર્યવેક્ષક તરીકે ગૃહમંત્રી અમિત શાહને નિયુક્ત કર્યા છે : ભાજપે બંગાળમાં ૨૦૭ સીટો જીતી છે ૪ મેના રોજ જાહેર થયેલા પરિણામો સાથે પશ્ચિમ બંગાળનો રાજકીય માહોલ સ્પષ્ટ થઈ ગયો છે. ભાજપે ૨૦૭ બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી, જ્યારે લગભગ દોઢ દાયકાથી સત્તામાં રહેલી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ ૮૦ બેઠકો પર સમેટાઈ ગઈ હતી. ચૂંટણી પરિણામો બાદ નવી વિધાનસભાની રચના માટેની તૈયારીઓ ઝડપી બની છે. ચૂંટણી પંચે એક સત્તાવાર સૂચના જાહેર કરી છે. રાજ્યપાલને આ નોટિફિકેશન મોકલવામાં આવ્યું છે, જેનાથી નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૮ મેના રોજ ભાજપ ધારાસભ્યોની બેઠક થવાની અપેક્ષા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને બંગાળ નિરીક્ષક અમિત શાહ તે જ દિવસે કોલકાતાની મુલાકાત લઈ શકે છે.
૭ મેના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થાય છે. ચૂંટણી પંચ તરફથી આ સૂચના તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિના આરોપો અને રાજીનામું આપવાનો ઇનકાર વચ્ચે આવી છે. કોલકાતામાં મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ રાજ્યપાલને મુખ્યમંત્રી પદેથી રાજીનામું સોંપવાનો ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, “હું હવે શા માટે રાજીનામું આપું? વાસ્તવમાં અમે હાર્યા નથી. આ પરિણામો વ્યાપક ગોટાળા અને મતોની લૂંટ દર્શાવે છે તો પછી રાજીનામાનો પ્રશ્ન જ ક્યાં ઉભો થાય છે?”
સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ૯ મેના રોજ યોજાઈ શકે છે, તે દિવસે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ છે અને તેથી તેને ખાસ માનવામાં આવે છે. અગાઉ, બંગાળ ભાજપના પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ પણ શપથ ગ્રહણ સમારોહ અંગે માહિતી આપી હતી.
પશ્ચિમ બંગાળ ઉપરાંત ચૂંટણી પંચે આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં નવી.વિધાનસભાઓની રચના માટે નોટિફિકેશન જાહેર કર્યા છે. ચૂંટણી પંચની સૂચનાઓએ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વિજેતા પક્ષોના નેતાઓ માટે અગાઉની રાજ્ય વિધાનસભાની મુદત પૂરી થાય તે પહેલાં સરકાર બનાવવાનો દાવો કરવાનો માર્ગ ખોલી દીધો છે. તમિલનાડુ વિધાનસભાનો કાર્યકાળ ૧૦ મે, આસામ ૨૦ મે, કેરળ ૨૩ મે અને પુડુચેરી ૧૫ જૂને સમાપ્ત થાય છે.
બંગાળમાં નવા મુખ્યમંત્રીના નામ અંગે પાર્ટી જલદી નામનો ખુલાસો કરી શકે છે. એવા રિપોર્ટ્સ છે કે શુક્રવારે આ મામલે ભાજપ મોટી બેઠક કરશે. એવી સંભાવના પણ છે કે ત્યારબાદ વિધાયક દળના નેતાના નામની જાહેરાત થઈ શકે છે. ભાજપે બંગાળના પર્યવેક્ષક તરીકે ગૃહમંત્રી અમિત શાહને નિયુક્ત કર્યા છે. ભાજપે બંગાળમાં ૨૦૭ સીટો જીતી છે. શુક્રવારે ભાજપના વિધાયકોની બેઠક કોલકાતામાં થશે. સૂત્રો મુજબ એવું જાણવા મળ્યું છે કે આ બેઠકમાં અધિકારીને વિધાયક દળ તરીકે પસંદ કરવામાં આવી શકે છે. સૂત્રો મુજબ ભાજપના પ્રદેશ પ્રમુખ શામિક ભટ્ટાચાર્ય અધિકારીના નામનો પ્રસ્તાવ રજૂ કરી શકે અને શાહ તેમના નામની જાહેરાત કરી શકે છે.
ભાજપે ૨૯૩ સીટોમાંથી ૨૦૭ સીટ જીતીને તૃણમૂલ કોંગ્રેસને ધોબીપછાડ આપી છે. રાજ્યમાં ટીએમસીના ૧૫ વર્ષના શાસનનો અંત કર્યો છે. જાે કે પાર્ટીએ હજુ સુધી ઔપચારિક રીતે મુખ્યમંત્રી પદના નામની જાહેરાત કરી નથી. પરંતુ ગૃહમંત્રી અમિત શાહ સહિત વરિષ્ઠ નેતાઓએ પ્રચાર દરમિયાન સંકેત આપ્યો હતો કે આગામી મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળના જ રહીશ હશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *