શિક્ષણમાં ખાનગીકરણ વધતાં ફી મોંઘી, ગુણવત્તા અને સામાજિક હિત પર પ્રશ્નો ઉભા થયા

Gujarat Pravah Desk
2 Min Read

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.

ગુજરાત સહિત દેશભરમાં જે રીતે શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણ થયું છે એણે તો ગુજરાતની મહાજન સંસ્કૃતિને જ ખતમ કરી નાંખી છે. એક જમાનો હતો કે જ્યારે ઉદ્યોગપતિઓ પોતે કમાયેલા નફાનો ઉપયોગ સમાજના હિતમાં શિક્ષણ સંસ્થાઓ ખોલવા માટે કરતા. અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અને ગુજરાત લો સોસાયટી એના જોરદાર ઉદાહરણો હતા. આજે નિરમા ના કરસનદાસ પટેલ કે મુકેશ અંબાણી એવી કોલેજ કે યુનિવર્સિટીઓ ખોલે છે કે જેમાંથી તેમને નફો જ મળે? એમને શિક્ષણમાંથી પણ નફો જોઈએ છે? આ ધંધો હવે નાના ઉદ્યોગપતિઓ પણ કરતા થયા છે અને તેથી ઠેર-ઠેર સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને યુનિવર્સિટીઓ હાટડીઓની જેમ ખુલી રહ્યા છે. સરકારે જાણે કે ઉચ્ચ શિક્ષણમાંથી હાથ જ ખંખેરી નાંખ્યા છે એમ જ કહેવાય ને?

અને વધારે ખરાબ બાબત તો એ છે કે સમાજની સેવા કરવા માટે જે ટ્રસ્ટોએ શાળાઓ અને કોલેજો સ્થાપી હતી એ ટ્રસ્ટો પણ હવે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓના રવાડે ચડયા છે. રાજ્ય સરકારે શિક્ષણના જે ખાનગીકરણને છૂટો દોર આપ્યો છે અને તેનું આ પરિણામ આવ્યું છે. સેમેસ્ટર સિસ્ટમ આવી પણ પૂરતા અધ્યાપકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી સરકારે થવા દીધી જ નહીં. એટલે ઈરાદાપૂર્વક રાજ્ય સરકારે ગ્રાન્ટેડ કોલેજોને મારી નાંખવાનો કારસો રચ્યો અને નવી ગ્રાન્ટેડ કોલેજો ઉભી થવા દીધી જ નહીં. ખાનગીકરણને આ રીતે લગભગ સંપૂર્ણ કરી નાંખ્યું. શિક્ષણ બેફામ પણે મોંઘુ થયુ છે. એનું કારણ રાજ્ય સરકારની નીતિ છે, એમાં કોઈ શંકા નથી. ગુજરાત સરકાર નરેન્દ્ર મોદીના ફોટા સાથે છાપાઓમાં જાહેર ખબરો આપીને એવો દાવો કરે છે કે ૨૦૦૧ માં ૧૫ યુનિવર્સિટીઓ ગુજરાતમાં હતી અને આજે ૪૫ યુનિવર્સિટીઓ છે.પણ પ્રશ્ન એ છે કે આ યુનિવર્સિટીઓમાં કેટલી ફી છે અને કેમ છે? એને માટે જવાબદાર કોણ છે? યુનિવર્સિટીઓની સંખ્યા મહત્વની નથી. પણ વિદ્યાર્થીઓને સારા અધ્યાપકો સારૂ શિક્ષણ આપે એ જરૂરી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *